RSS

ઝડપથી ચાલીએ ત્યારે હાથ પણ કેમ આગળ પાછળ હલાવવા પડે છે ?

12 Aug

તમે અદબ વાળીને ઝડપથી ચાલી શકો નહીં. ઝડપથી ચાલવું હોય તો બંને હાથ છુટ્ટા હોવા જોઈએ અને પગની સાથે સાથે આગળ પાછળ થવા જોઈએ. દોડવું હોય તો તો મુઠ્ઠીઓ વાળીને હાથ હલાવ્યે જ છુટકો. આનું કારણ જાણો છો ? આ રસપ્રદ લક્ષણ છે. આપણા શરીરનો દરેક સ્નાયુ મગજના ઈશારે કામ કરે છે. પરંતુ સ્નાયુઓ સુધી મગજના સંકેત પહોંચે તે પહેલાં ઘણી પ્રક્રિયામાંથી પસાર થાય છે. અને પગને દોડવા માટેના ફાઈનલ સિગ્નલ કરોડરજ્જુમાં પહોંચીને પગના સ્નાયુઓ તરફ જાય છે. તમે દોડો ત્યારે સ્નાયુના  ખેંચાણ વિગેરેની માહિતી પણ મગજને મળતી હોય છે. સામાન્ય ચાલતી વખતે બરાબર છે પરંતુ તમે દોડો છો ત્યારે તમારી ઈચ્છા મગજના સંકેતો કરતાં વધારાનો બોજ સ્નાયુ પર નાખે છે. મગજને આ વાતની ખબર પડે કે તરત જ જોખમ સમજીને સમતોલન જાળવવા હાથને પણ પગની સાથે આગળ પાછળ થવાનો હુકમ કરે છે. આમ પગના સ્નાયુયોનો બોજ ઓછો કરી તેને મદદ કરવા માટે મગજ આપોઆપ જ હાથને પણ સૂચના આપે છે એટલે આપણે હાથ હલાવ્યા વિના દોડી શકતાં નથી.

 

Leave a comment