RSS

મનની માળા અને પ્રભુની ભક્તિ

14 Aug

મંદિર, મુર્તિ, મંત્ર અને માળા એ ભગવાનમાં શ્રદ્ધા અને આસ્થાનાં આદિ પ્રતીક છે. મંદિર, મુર્તિ અને મંત્ર તો સમજાય છે, પણ મંત્રની સાથે માળાનું હિન્દુ ધર્મમાં બહુ ઉમદા, અતૂટ બંધન આલેખવામાં આવ્યું છે. વિવિધ પ્રકારની માળાઓ દ્વારા ભગવાનના મંત્રોનો જાપ કરવામાં આવે છે

આભૂષણ, ઝવેરાત અને દાગીના સંસારનો ભ્રામક શૃંગાર છે, પણ સાધુ-સંતો અને ભક્તનો શણગાર તો તેમના ગળામાં શોભતી રુદ્રાક્ષ, તુલસી કે અન્યની માળા જ છે. માળાના મણકામાં જપનામ રામ, શ્યામ કે ઘનશ્યામ કોઈ પણ દેવનું શુભ નામ હોય, પરંતુ તેમાં રહેલી શ્રદ્ધા માતાની મમતાની જેમ એકસમાન હોય છે. માળાની પ્રણાલિકા માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, પરંતુ અન્ય ધર્મમાં પણ છે. ઇસ્લામમાં માળાને ‘તસબીહ’ કહેવામાં આવે છે. જેમાં ૯૯ મણકા હોય છે. જોકે એક માન્યતા મુજબ ૧૦૧ મણકાની માળા પણ પ્રવર્તમાન છે, જેમાં પયગંબરોનાં નામ જોડાયેલાં છે એવી માન્યતા છે. ખ્રિસ્તીઓમાં રોમન કેથલિક સંપ્રદાયમાં ૧૫૦ મણકાની માળાનું પ્રચલન છે. અલબત્ત, રોમન સાધુઓની માળા ૧૮૦ મણકાની હોય છે. યહૂદીઓ ૩૨ અને ૯૯ મણકાની એમ બે પ્રકારની માળા પર્વ કે ઉત્સવ પ્રસંગે ધારણ કરે છે. જૈનોની માળામાં ૧૧૧ મણકા હોય છે, જેમાં ૧૦૮ મણકા પર તેઓ ‘નમો અરિહંતાણમ્’ અને બાકીના ત્રણ મણકા પર ‘સમ્યગ દર્શન-જાન ચારિત્રેભ્યો નમઃ’નો જાપ કરે છે. જ્યારે બૌદ્ધોની માળામાં ૧૦૮ મણકા જ હોય છે.

દુનિયાભરના તમામ ધર્મોમાં માળાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે હિન્દુ ધર્મમાં તો નામજપને ધર્મનું આગવું અંગ માનવામાં આવે છે. ભગવાનના સ્મરણના શ્રેષ્ઠ સાધ્ય તરીકે માનવામાં આવતી માળાનું મહત્ત્વ ગરુડ પુરાણમાં સમજાવવામાં આવ્યું છે. ‘અસંખ્ય તન્તુ યજ્જત્પં સર્વ તદ્ અફલં સ્મૃતમ્’ અર્થાત્ તમે જે કંઈ મંત્રનો જાપ કરો છો તેની ગણતરી હોવી જ જોઈએ. ગણ્યા વગરના મંત્રજાપ નિષ્ફળ જાય છે.

પવિત્ર માળાના સર્જન પાછળની પણ કથા મળી આવે છે. આજે તો ઘર ઘર અને માણસે માણસે સાક્ષરતા છે, પરંતુ દુનિયાની ઉત્પત્તિ અને ભક્તિ-પ્રણાલીના ઉદ્ગમકાળે ચારેકોર સાક્ષરતા નહોતી. નિરક્ષરતાને કારણે જપ ગણનામાં સમસ્યા થતી. ઋષિ-મુનિઓએ છાણ, લાખ અને સિંદૂરનું મિશ્રણ કરીને એક યજ્ઞાપૂત તૈયાર કર્યું અને તેમાં ધાન્ય ભરીને કણ-ગણતરીની નિયત સંખ્યા બાંધી. કણપત્ર લઈને બધા નામજપ જપવા લાગ્યા અને આ પ્રમાણે ગણતરી અસ્તિત્વમાં આવી. તે પછી કરમાળા અસ્તિત્વમાં આવી, પરંતુ સતત ભ્રમણશીલ યાત્રિકો માટે આ બધા ઉપાયો કઠિન નીવડયા.

સતત ભ્રમણ કરતો સંસારી દેહ ભગવાનના નામનો જપ કરી શકે તે માટે માળાની રચના આવી રીતે થઈ છે તેમ માનવામાં આવે છે. વેદ-ઉપનિષદના આધારે કહેવાય છે કે, ‘અરા ઈવ રથનાભૌ સંહતા યત્ર નાડયઃ’ કમળના બીજમાં છિદ્ર પાડી, મુંજરેસાતંતુને પરોવી પ્રથમ પચીસની અંકગણના થઈ શકે તેવી માળા રચી. જેમ આરાનું કેન્દ્ર રથનાભિ હોય તેમ માળામાં એક મેરુમણિ રાખવામાં આવ્યો. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે માળાની ઉત્પતિ કંઈક આવી રીતે સર્જન પામી હતી. સમયાનુકાળ અને પરિસ્થિતિ પ્રમાણે તે પછી ઇન્દ્રાક્ષ, રુદ્રાક્ષ, શંખ, સ્ફટિક, પુત્રજીવ ઇત્યાદિક માળાઓ અસ્તિત્વમાં આવી. હિન્દુ ધર્મની માળાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે, પણ તે માળાનું નવીન સ્વરૂપ ૧૦૮ મણકાથી જ જોડાયેલ હોય છે. ૧૦૮ મણકા પાછળ ઘણી બધી કથાઓ, સ્વાસ્થ્ય, પરંપરા, નામાવલિ વગેરે જોડાયેલું છે, પરંતુ વારાહ પુરાણ પ્રમાણે ૧૦૮ મણકામાં છ વિકાર, છ ઊર્મિ, છ કોષ, છ રિપુ, દશ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ, પંચવિષય, પંચભૂત, દસ પ્રાણ, ત્રણ અવસ્થા (જાગૃત-સ્વપ્ન-સુષુપ્તિ), ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ કર્મ, ત્રણ અવસ્થા (બાળ-યૌવન-વૃદ્ધ), ચાર વિષય (સંકલ્પ, અધ્યવસાય, અભિમાન, અવધારણા), ચાર ભાવ (મુદિતા, કરુણા, મૈત્રી, ઉપેક્ષા), ચૌદ દેવતા, નવ ગ્રહ, જન્મ, મૃત્યુ, પુરુષ અને માયાને સાંકળી લેવામાં આવી છે. ૧૦૮ તત્ત્વોથી ઉપર રહેલો આત્મા તેનો મેરુ છે.

આજકાલ અગણિત પ્રકારની માળાઓ જોવા મળે છે. શાસ્ત્ર પ્રમાણે કમળબીજના મણકાથી માંડી રુદ્રાક્ષ, તુલસી, રક્તચંદન, ચંદન ને સામાન્ય કાષ્ઠ સુધીની કોઈ માળા સદ્ગુરુપ્રાસાદિક હોય તો તે ઉત્તમ જ છે. તે સિવાય સ્ફટિક, વૈદૂર્ય, પ્રવાલ, સુવર્ણ કે મોતીની હોય તોપણ તે અભદ્ર છે. માળા પવિત્ર છે, પણ તેના કરતાં મહત્ત્વનું અંગ મન છે. જો મનને પ્રભુના નામમાં જોડવામાં ન આવે તો માળા ફેરવવી વ્યર્થ છે.

વચલી આંગળીથી જાપ શા માટે?

યજુર્વેદ અનુસાર ‘હૃદિ તિષ્ઠદશાંગુલમ્’ અર્થાત્ ભગવાનનું મુખ્ય નિવાસ સ્થાન હૃદયપ્રદેશમાં છે. આ પ્રમાણો અનુસાર હૃદયને પ્રભાવિત કરવા માટે જાપ થાય છે, જે વચલી આંગળીની ધમનીનો હૃદયપ્રદેશ સાથે સીધો સંબંધ છે, એટલે જાપમાં એનો ઉપયોગ થાય છે.

 

Leave a comment