RSS

વિષાદમાંથી મુક્તિ અપાવતો : કર્મયોગ

14 Aug

મનુષ્યમાં સાંસારિક બાબતો કે મોહને કારણે વિષાદ પેદા થતો હોય છે. વિષાદગ્રસ્ત માનવી એકાકી બની જતો હોય છે અને તેને કારણે વિષાદમાં વૃદ્ધિ થતી હોય છે. આ વિષાદને ખંખેરીને મનુષ્યે કામ પર તો ચડવું જ પડે. એટલે વિષાદની નિવૃત્તિ અર્થે કર્મયોગનું નિર્માણ થયેલું છે. કર્મ યાંત્રિક રીતે થતું તો વિશ્વમાં જોવા મળે છે. આખું વિશ્વ નિરંતર રીતે કર્મથી સંકળાયેલું છે, પણ ગીતામાં એકલો ‘કર્મ’ શબ્દનો પ્રયોગ નથી થયો, પણ કર્મયોગ શબ્દ વાપરવામાં આવ્યો છે. યોગ એટલે જોડાવવું. કર્મ કરતાં કરતાં પરમાત્મા સાથે જોડાવું. કર્મ સાથે જ્ઞાન, પછી તે સાંખ્ય કે આત્મજ્ઞાનથી પરમાત્માના જ્ઞાન સુધી જોડાવવું. આમ ગીતાના ત્રીજા, ચોથા અને પાંચમા અધ્યાય દ્વારા યોગેશ્વર શ્રીકૃષ્ણ અર્જુનને વિષાદ કે જે ભ્રામક છે, તેને ત્યજીને કર્મમાં જોડાઈ યુદ્ધ કરવા પ્રેરે છે. અલબત્ત, જગતમાં એવું ઘણી વાર જોવા મળે છે કે કર્મ પ્રવૃત્તિથી અશાંતિ થાય છે. જોકે તમે કેવા પ્રકારનું કર્મ કરો છો તેના પર પરિણામનો આધાર હોય છે. અહીંયાં ન્યૂટનનો એક્શન-રિએક્શનનો સિદ્ધાંત પણ જોવા મળે છે. સારાં કર્મનાં સારાં ફળ ને ખોટાં કર્મનાં ખરાબ ફળ મળે છે. અર્જુનના મતે યુદ્ધ કરી માનવસંહાર કરવો તે દેખીતી રીતે જોઈએ તો કુકર્મ જ ગણાય. એટલે જ સાધકો પ્રવૃત્તિમાર્ગને પણ અશાંતિનો માર્ગ કહે છે. તેઓ કર્મને બંધનકર્તા સમજે છે. કર્મ જ્ઞાન સાથે કરાય ત્યારે કર્મયોગ બને છે. બીજી બાજુ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. માણસ કર્મ કર્યા વગર તો રહી શકતો નથી. તો પછી કર્મના બંધનથી કઈ રીતે મુક્ત થવું, તેનો ઉપાય ભગવાન અનાસક્તિ શબ્દ દ્વારા સમજાવે છે. અનાસક્તિ એટલે કર્મમાં આસક્તિ ન હોવી તે. અનાસક્ત ભાવે કરેલું કર્મ બંધનકર્તા રહેતું નથી. એક શબ્દ છે – કર્તવ્ય કર્મ, જે કર્મ આપણું સ્વધર્મ હોય, તે કરવું, કોઈ અપેક્ષા વિના કરવું. વેદોના યુગમાં આર્યો યજ્ઞા-યજ્ઞાદિ કરતા. એ યજ્ઞાનું ફળ ભગવાન પર છોડી દેતા. પરિણામે ભગવાન વણમાગ્યે જ તેમના પર આશીર્વાદ વરસાવતા. કર્મ કરવાનું પણ તે કર્મમાં આસક્તિ ન રાખવામાં આવે તો કર્મદોષ લાગતો નથી. કર્મશીલ મનુષ્ય મોટેભાગે તેમાં ભોળવાઈ જાય છે. કર્મ તો કરવાનું પણ કર્મફળનો ત્યાગ કરવાનો એટલે કે ફળની આશા વિનાકર્મ કરવાનું. કર્મથી જીવ બંધનમાં ફસાય છે અને તે જ કર્મથી બંધનને તોડીને બહાર પણ નીકળી શકે છે. જેમ કે, જે હાથથી ગાંઠ વળે છે તે જ હાથથી ગાંઠ છૂટી પણ શકે છે. ભગવદ્ગીતા સર્વસાધારણ મનુષ્યના દૈનિક જીવન સાથે વણાઈ ગયેલો ગ્રંથ છે. યોગ્ય રીતે કર્મ કરતાં કરતાં કલ્યાણને પાત્ર થઈ શકાય છે. એટલે જ ભગવત્ આજ્ઞા કે ગુરુઆજ્ઞા પ્રમાણે કર્મ કરીએ તો તે બંધનકર્તા નથી. ભગવાન શ્રીકૃષ્ણ અહીંયાં ગુરુ બનીને અર્જુનને યુદ્ધ કરવાની આજ્ઞા કરે છે. પરિણામે ન યોત્સે (હું યુદ્ધ નહીં કરું) કહેનાર અર્જુનને યોગેશ્વર સાત વખત ‘યુદ્ધસ્વ’ એટલે કે તું યુદ્ધ કર તેમ કહે છે.

 

Leave a comment