RSS

માનવ શરીરની અજાયબી

આપણું નાક હરતું ફરતું એરકંડીશનર છે. તે શ્વાસમાં આવતી વધુ ઠંડી સામે ચેતવણી આપે છે. ગરમ હવાને ઠંડી કરે છે. અને હવામાંથી રજકણો દૂર કરી ગાળે પણ છે.
આંખ ઉપરની આઇબ્રોનું શું કામ ? સાવ સાદું કપાળમાં પરસેવો વહે તો તેને આંખ ઉપર જતાં રોકે.
પૃથ્વી પરના માણસોની વસતી કરતાં આપણી ચામડી પર વધુ બેક્ટેરિયા હોય છે.
હૃદયની મહાધમની સૌથી વધુ વ્યાસ ધરાવતી રકતનળી છે. તે બગીચામાં વપરાતી હોઝપાઇપ જેટલી જાડી હોય છે.
માણસ જ એવું પ્રાણી છે કે તેની હથેળી અને પગના તળિયામાં રંગકણો હોતા નથી.
માણસના આંતરડામાં લગભગ ૧ કિલોગ્રામ વજનના બેક્ટેરિયા હોય છે. તેમાનાં મોટા ભાગના ઉપયોગી હોય છે.

 

લીલા પાનમાંથી લાલ રંગ (મેંદીનું વિજ્ઞાન)

પૃથ્વી પર થતી જુદી જુદી જાતની વનસ્પતિમાં કેટલાક અજાયબ ગુણો જોવા મળે. કેટલીક વનસ્પતિ ખોરાક બને તો કેટલીક દવા પણ બને. માણસ પ્રાચીન કાળથી વનસ્પતિના જાત જાતના ઉપયોગ કરતો આવ્યો છે. તેમાં મેંદીનો ઉપયોગ તો અજાયબ છે. ૫૦૦૦ વર્ષ પહેલાં ય લોકો હાથપગ ઉપર મેંદીની ડિઝાઈન કરતાં. આ પરંપરા આજે  પણ લોકપ્રિય છે. નવાઈ એ વાતની છે કે મેંદીના લીલા પાનમાં એવું શું છે કે આપણી ચામડીના કોષો પર પ્રક્રિયા કરી નુકસાન કર્યા વિના દિવસો સુધી લાલ રંગ ટકાવી રાખે છે.
૫૦૦૦ વર્ષ પહેલાંના લોકોને મેંદીના પાનની ઓળખ હતી પણ લાલ રંગ શેમાંથી થાય છે તેની જાણ નહોતી. મેંદીને હિના તરીકે પણ ઓળખતા. ભારતમાં ચોથી સદીમાં મેંદી મૂકવાનો રિવાજ હતો. રોમ, સ્પેન, ઈરાન અને ઈજિપ્તમાં પણ પ્રાચીન કાળમાં મેંદી મૂકવા ઉપરાંત વાળ અને નખ પણ રંગતા. ઘણા સ્થળોએ કપડાં અને ઉન રંગવામાં પણ તેનો ઉપયોગ થતો.
મેંદીના પાનને સૂકવી કે છુંદીને પેસ્ટ બનાવી તેમાં કોઈપણ એસિડ દ્રવ્ય ઉમેરીને ચામડી પર લગાડીને ૬ કલાક કરતાં વધુ સમય રાખવાથી ચામડી પર તે જગ્યાએ લાલ રંગ બેસી જાય છે. ૧૮૮૨માં આર્થર માઈકલ નામના રસાયણ વિજ્ઞાાનીએ શોધી કાઢયું કે મેંદીના પાનમાં હેનોટેનિક એસિડ હોય છે તેને લોસન પણ કહે છે. આ એસિડ ચામડી, વાળ અને નખમાં રહેલા કેરાટીન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને તેને લાલ રંગ આપે છે જે અઠવાડિયાઓ સુધી ટકે છે. આ પ્રક્રિયાને માઈકલ એડિસન કહે છે. મેંદી ઉપરાંત યુરોપના દેશોમાં થતો જેવેલવીડ નામનો છોડ પણ આવા ગુણ ધરાવે છે.
મેંદીનો છોડ મૂળ ઉત્તર આફ્રિકાનો વતની છે. આ છોડ બે થી ૭ મીટર ઊંચો ફૂલછોડ છે. તેમાં એકથી દોઢ સેન્ટીમીટર લાંબા પાન થાય છે. મેંદીમાં સફેદ ફૂલ થાય છે અને નાનકડું કોફી રંગનું ફળ પાકે છે.  મેદીના પાનનો મેંદી મૂકવામાં જ નહીં પરંતુ હેરડાઈ અને સૌંદર્ય પ્રસાધનોમાં પણ ઉપયોગ થાય છે.

 

આ પણ જાણો…

* માણસ જ એવું પ્રાણી છે કે જે આંસુ સારીને રડી શકે છે.
* આંખ પટપટાવીએ ત્યારે ૨૦૦ સ્નાયુઓનો ઉપયોગ થાય છે.
* માણસના આંતરડામાં ૧ કિલો જેટલા બેક્ટેરિયા રહે છે. આ બધા બેક્ટેરિયા ખોરાકના પાચન માટે ઉપયોગી છે.
* અન્ય પ્રાણીઓ કરતા માણસના ચહેરામાં વધુ સ્નાયુઓ હોય છે બંને તરફ ૨૨.
* આપણા મગજનો જમણો ભાગ શરીરના ડાબા ભાગના અંગ અવયવોનું સંચાલન કરે છે.
* ફિંગર પ્રિન્ટની જેમ માણસની જીભની પ્રિન્ટ પણ જુદી જુદી હોય છે.
* આપણી ચામડીના એક ચોરસ ઇંચ ભાગમાં ૧૩૦૦ જ્ઞાાનકોષો હોય છે અને પરસેવાની ૧૦૦ ગ્રથિઓ હોય છે.

 

એચ.ડી. ટીવી શું છે ?

ટીવીના સ્ક્રીન ઉપર નજીક જઈને જોશો તો આખું ચિત્ર ઝીણા ટપકાનું બનેલું દેખાશે. આ ટપકા આડી અને ઊભી લાઇનમાં હોય છે. આ ટપકાંને પિક્સલ કહે છે. આપણી આંખમાં પ્રકાશના કિરણો જોવા માટે ૧૩ કરોડ કોષો આવેલા હોય છે. આ કોષોને રોડ અને કોન કહેવાય છે. ટી.વી.ના ચિત્રોની ગુણવત્તા આડા અને ઊભા પિક્સલની સંખ્યાને આધારે નક્કી થાય છે. સામાન્ય ટીવી ૭૦૦ ઊભા અને ૫૦૦ આડા પિક્સલની ગોઠવણીથી બનેલા હોય છે એટલે તેને ૦.૩૩ મેગાપિક્સલ કહેવાય. આપણી આંખ ૧૩૦ મેગાપિક્સલ જોઈ શકે છે એટલે ટીવીના  ચિત્રોમાં આપણે ટપકાં જોઈ શકીએ છીએ. એચ.ડી. ટીવી એટલે હાઇડીફીનેશન ટીવીના સ્ક્રીન. ૧૯૨૦ આડા અને ૧૦૮૦ ઊભા પિક્સલની ગોઠવણીથી ચિત્રો બનાવે છે એટલે કે રંગના ટપકા વધુ નજીક અને ઘટ્ટ બને છે. ટીવીના મોટા સ્ક્રીનનો પણ લાભ લઈ શકાય છે. ટી.વી.ના સ્ક્રીનની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ ૧૬ (X) ૯નું હોય છે. આ પ્રમાણ આપણી આંખના દૃષ્ટિ વ્યાપને અનુકૂળતા માટે રાખવામાં આવ્યું છે. તદ્દન ચોરસ સ્ક્રીન તમને જોવો નહીં ગમે. એચ.ડી. ટીવીના દૃશ્યો વધુ ઘટ્ટ દેખાય  છે અને ધ્રૂજતા નથી. ટીવીના દૃશ્યનું સતત સ્કેનિંગ થતું હોય છે. સામાન્ય ટીવી કરતા એચડી ટીવીનું સ્કેનિંગ વધુ ઝડપથી થાય એટલે દૃશ્યો ધ્રૂજતા નથી. આ દૃશ્યો એક સેકંડમાં ૬૦ વાર સ્કેનિંગ થઈને બદલાય છે.

 

માનવ શરીરનું અવનવું

* માણસનું મોટું આતરડું ૬ ફૂટ અને નાનું આંતરડું ૨૧ ફૂટ લાંબુ હોય છે. નાનું આંતરડું પાતળું હોવાથી વધુ લાંબું હોવા છતાં ‘નાનું’ કહેવાય છે.
* માણસના માથાનો એક વાળ એટલો મજબૂત હોય છે કે ૧૦૦ ગ્રામ વજન લટકાવી શકાય છે.
* આપણો અવાજ ગળામાં રહેલા સ્વરતંતુઓ દ્વારા ઉત્પન્ન થાય છે પરંતુ તેને ભાષામાં ઢાળવા માટે ગળા અને મોંના ૭૨ સ્નાયુઓનો ઉપયોગ થાય છે.
* બગાસું ખાવાથી ફેફસાંને વધુ ઓક્સિજન મળે છે.
* સમગ્ર શરીરનું સમતોલન જાળવવાનું મુખ્ય કેન્દ્ર કાનની અંદરના ભાગમાં આવેલું છે જેને યુસ્ટેશિયન નળી કહેવાય છે.
* શરીરના ૧૦ અબજ જેટલા જ્ઞાાનતંતુઓ પર કાબુ રાખનાર કરોડરજ્જુ માત્ર બે ફૂટ લાંબી હોય છે અને માત્ર આંગળી જેટલી જ જાડી હોય છે.

 

સૈન્યમાં બ્રિગેડ, બટાલિયન એટલે શું?

દરેક દેશના રક્ષણ કરતા સૈન્યના ત્રણ મુખ્ય ભાગ હોય છે. વાયુદળે કે જે આકાશમાં રક્ષણ કરે જેમાં વિમાનો હેલિકોપ્ટરો વગેરે હોય. બીજું ભૂમિદળ કે જમીન પર રહી રક્ષણ કરે તેમાં ટેન્કો અને વાહનો હોય. ત્રીજું દરિયામાં જળ સીમાનું રક્ષણ કરતું દળ નૌકાદળ. આ દળ જહાજ, સબમરીન વગેરેનો ઉપયોગ કરો. સૈન્યમાં લાખો સૈનિકો હોય છે. એટલે સારા વહીવટ માટે સેનાના જવાનોને અલગ અલગ ટૂકડીમાં વહેંચવામાં આવે છે. ૭૦૦૦૦ સૈનિકોની એક કોર બને. લેફ્ટનન્ટ જનરલ તેના વડા હોય છે. ત્યાર બાદ ૧૬ થી ૧૮ હજાર  સૈનિકોની ડિવીઝન બને. ડિવીઝનના વડા મેજર જનરલ હોય છે. ડિવીઝનના સૈનિકોને ૨ થી ૩ હજાર સૈનિકોની એક એવી અનેક બ્રિગેડ બને. બ્રિગેડના ય ભાગલા પાડીને ૮૦૦ થી ૧૦૦૦ સૈનિકોની બટાલિયન બને તેના વડા કર્નલ  કહેવાય છે. બટાલિયનના ય ભાગ પાડીને ૨૦૦ થી ૩૦૦ સૈનિકોની એક એવી કંપની બને. ત્યારબાદ ૩૦ થી ૪૦ સૈનિકોની એક એવી પ્લેટૂન બને.
સૈન્યનું સૌથી નાનું એકમ સેક્શન હોય છે જેમાં ૮ થી ૧૨ સૈનિકો હોય છે. મોટી હોનારતમાં બચાવ કાર્ય કે તોફાનો દરમિયાન જરૃર પ્રમાણે બટાલિયન કે કંપની મોકલવામાં આવે છે.

 

એરકંડીશનરની ક્ષમતા ટનમાં કેમ ગણાય છે?

આપણા રોજિંદા વપરાશનાં સાધના અને મશીનો કેટલાં ઉપયોગી થાય છે તે જાણવું જરૃરી છે. સામાન્ય ડોલ જેવા વાસણો ૧૬ લીટરના છે તેમ કહેવાય છે એમાં ૧૬ લીટર પાણી ભરી શકાય. વાહનો તેના એન્જિનની હોર્સ પાવરની શક્તિના આંકથી ઓળખાયImage છે પરંતુ  એરકંડિશનરનું માપ ટનમાં કેમ મપાય છે તે જરા સમજાય તેવું નથી લાગતું ખરુંને?
એરકંડીશનર ઘરમાંથી ગરમ હવા બહાર કાઢવાનું કામ કરે છે. ગરમી એટલે ઉષ્ણતામાન. ગરમીના સેલ્શીયસ, ફેરનહિટ, કેલ્વીન જેવા ઘણા પ્રમાણમાપ છે. તેમાં એક બ્રિટિશ થર્મલ યુનિટ પણ છે. તેને ટૂંકમાં બીટીયુ કહે છે. એક ટન બરફને ૨૪ કલાકમાં પિગાળી નાખે તેટલી ગરમીને ૨૮૮૦૦૦ બીટીયુ કહે છે. એક ટનની ક્ષમતાવાળું એરકંડીશનર એક કલાકમાં ૧૨૦૦૦ બીટીયુ ગરમી દૂર કરી શકે છે. તેવું પ્રમાણ નક્કી કરીને જુદી જુદી ક્ષમતાવાળા એરકંડીશનર બને છે.

 

આપણા શરીરની આઠ અજાયબી

* આપણા શરીરના લોહીમાં સતત અબજો અબજો રક્તકણોનો જથ્થો જળવાઈ રહે છે. આ જથ્થો જાળવી રાખવા હાડકાનાં પોલાણમાં દર સેકંડે અઢી કરોડ જેટલાં રક્તકણો તૈયાર થાય છે.
* આપણાં ફેફસાનું કુલ ક્ષેત્રફળ ટેનિસના એક મેદાન જેટલું થાય. દરરોજ આપણે ૨૦ લાખ લીટર જેટલી હવા શ્વાસમાં લઈને ઉચ્છવાસમાં બહાર કાઢીએ છીએ.
* આપણાં શરીરના જ્ઞાાનતંતુઓ વહેલા સંદેશના તરંગોની ઝડપ એક સેકંડના ૭ કિલોમીટર હોય છે. આપણે આંગળીથી કોઈ વસ્તુને સ્પર્શ કરીએ તેનો સંદેશો મગજને માઈક્રો સેકન્ડમાં મળી જાય છે.
* આપણી ચામડીના  દરેક ચોરસ ઇંચમાં ૬૨૫ પ્રસ્વેદ ગ્રંથિ, કુલ ૭૨ કિલોમીટર લંબાઈના જ્ઞાાનતંતુઓ હોય છે. ચામડી સૌથી મોટો અવયવ છે અને શરીરનું તાપમાન જાળવી રાખે છે.
* આપણા હાથમાં ત્રણ મુખ્ય જ્ઞાાનતંતુઓ, લોહીની બે ધમનીઓ અને ૨૭ હાડકાં હોય છે. કોઈપણ અંગ કરતાં હાથના સંચાલન માટે મગજ સૌથી વધુ કામ કરે  છે.
* આપણું હૃદય લગભગ ૪૦૦ ગ્રામ વજન ધરાવે છે. મિનિટના સરેરાશ ૭૨ વખત ધબકીને લોહીને આખા શરીરમાં ફેરવે છે. લોહી શરીરની ધમનીમાં લગભગ દોઢ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહે છે. હૃદય માણસના શરીરમાં સૌથી કામ કરતો મજબૂત સ્નાયુ છે.
* આપણી જીભ એ એક માત્ર હાડકાં વિનાનો અવયવ છે અને એકજ છેડેથી શરીર સાથે જોડાયેલો છે. જીભ ઉપર ઈજા થાય તો આપમેળે સાજો થઈ જતો અવયવ છે.
* આપણી આંખમાં પ્રકાશ સંવેદન માટે એકથી દોઢ અબજ રીસેપ્ટર હોય છે. જેમાં ૫૦ થી ૭૦ લાખ રીસેપ્ટર રંગોને પારખવાના હોય છે. માણસની આંખ વિશ્વના સૌથી મોટાં ટેલિસ્કોપ કરતાં ય વધુ રંગોને પારખી શકે છે. આંખના સ્નાયુઓ શરીરમાં સૌથી વધુ ઝડપથી કામ કરનારાં છે.

 

દેહ અને આત્મા

એક વખત કાવિઠા ગામની શાળાના કેટલાક વિદ્યાર્થીઓ શ્રીમદ્ રાજચંદ્રજી પાસે બોધ સાંભળવા આવ્યા હતા. શ્રીમદ્ રાજચંદ્રજીએ તેઓને પૂછ્યું, ”છોકરાઓ, એક પ્રશ્ન પૂછું તેનો જવાબ આપશો?”
છોકરાએ કહ્યું, ”હા જી”
શ્રીમદ્જી બોલ્યા, ”તમારા એક હાથમાં છાશનો ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય; અને તમને માર્ગે જતાં કોઇનો ધક્કો વાગે તો તે વખતે તમે કયા હાથના લોટાને જાળવશો?” ગિરધર નામના છોકરાએ જવાબ આપ્યો, ”ઘીનો લોટો સાચવીશું.” શ્રીમદ્જીએ પૂછ્યું, ”કેમ? ઘી અને છાશ તો એકમાંથી ઉત્પન્ન થાય છે ને?” છોકરો કહે, ”છાશ ઢળી જાય તો ઘણાયે  ફેરા કોઇ ભરી આપે; પણ ઘીનો લોટો કોઇ ભરી આપે નહીં.”
આ વાતનો સાર સમજાવતા શ્રીમદ્ રાજચંદ્રજી બોલ્યા ”છાશના જેવો આ દેહ છે, તેને આ જીવ સાચવે છે અને ઘીની માફક આત્મા છે તેને જતો કરે છે, એવી અવળી સમસ્યાવાળો આ જીવ છે.
પણ જો આત્માને ઘીની તુલ્ય મૂલ્યવાન જાણે તો આત્માને પણ સાચવે; અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતો કરે. કારણ કે દેહ તો એની મેળે જ મળવાનો છે. કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવા રૃપે દેહ તો મફતનો જ મળવાનો છે.”

 
 

નારદજી હમેશાં ત્રિલોકમાં વિહરતા કેમ રહે છે?

દક્ષ પ્રજાપતિને ઘણા દીકરા હતા.
એક દિવસ તેમણે કેટલાક દીકરાઓને બોલાવી કહ્યું ઃ ‘હવે તમે મોટા થયા. તમારે તમારું સંભાળવું જોઈએ. તમે સૌ પૃથ્વી પર જ્યાં તમારું મન ઠરે ત્યાં સ્થિર થાઓ અને ગૃહસ્થાશ્રમી બનો!’
પિતાની આજ્ઞાા થતાં આ પ્રજાપતિપુત્રો પૃથ્વી પર પોતાને યોગ્ય સ્થળની શોધમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા તેમને નારદજી મળી ગયા.
નારદજીને જોઈ પ્રજાપતિપુત્રોએ એમને પ્રણામ કર્યા અને કહ્યું ઃ ‘ભગવન્, અમને કંઈ ઉપદેશ કરો!’
નારદજીએ કહ્યું ઃ ‘પહેલું તો તમે અહીં કેમ આવ્યા છો તે કહો!’
પ્રજાપતિપુત્રોએ પિતા દક્ષ પ્રજાપતિની આજ્ઞાા કહી સંભળાવી.
એ સાંભળી નારદજી વિચારમાં પડી ગયા.
પ્રજાપતિપુત્રોએ કહ્યું ઃ ‘ભગવન્, શું વિચાર કરો છો?’
નારદજીએ કહ્યું ઃ ‘તમે કોઈ તમારા વિદ્વાન પિતાની આજ્ઞાા સમજ્યા જ નથી!’
પ્રજાપતિપુત્રોએ કહ્યું ઃ ‘અમે સમજ્યા છીએ!’
નારદજીએ કહ્યું ઃ ‘સમજ્યા હો તો કહો ઃ પૃથ્વીનો અંત તમે જોયો છે? જ્યાં એક જ પુરુષ છે તેવો દેશ તમે જોયો છે? જ્યાં દાખલ થવાનો માર્ગ છે, પણ બહાર નીકળવાનો માર્ગ નથી તેવી ગુફા તમે જોઈ છે? બહુવેશી સ્ત્રી તમે જોઈ છે? બેય તરફ વહેતી નદી તમે જોઈ છે? પોતાની મેળે ભમ્યા કરતી ચીજ તમે જોઈ છે?’
આ સાંભળી પ્રજાપતિપુત્રો વિચારમાં પડી ગયા.
તેમણે કહ્યું ઃ ‘મહારાજ, આ તો બધું ઉખાણાં જેવું લાગ ેછે, જેનો કશો અર્થ નથી.’
નારદજીએ કહ્યું ઃ ‘અર્થ નથી કેમ? છે જેવા હું ને તમે છીએ તેવો આનો અર્થ છે.’
પ્રજાપતિપુત્રોએ કહ્યું ઃ ‘તો, મહારાજ, અમને એ સમજાવો!’
‘તો એકચિત્ત થઈ સાંભળો.’ નારદજીએ કહ્યું.
‘મારો પહેલો પ્રશ્ન એ છે કે પૃથ્વીનો અંત તમે જોયો છે? આમાં પૃથ્વી એટલે મોટી. અર્થાત્ માટીમાંથી બંધાયેલું આ શરીર. એ શરીર નાશવંત છે. વહેલો મોડો એનો અંત આવવાનો છે એ તમે જાણો છો? જાણતા હો તો શા સારુ શરીરને લાડ કરો છો અને ગૃહસ્થાશ્રમી થવાનો વિચાર કરો છો?’
આ સાંભળી પ્રજાપતિપુત્રોએ એકબીજાની સામે જોઈ કહ્યું ઃ ‘વાત તો ખરી હોં! હવે તમારું બીજું ઉખાણું સમજાવો, મહારાજ!’
નારદજીએ કહ્યું ઃ ‘મેં પૂછયું કે જ્યાં એક જ પુરુષ છે એવો દેશ તમે જોયો છે? આ એક જ પુરુષ એટલે આત્મા, ઈશ્વર અને દેશ એટલે શરીર. જડચેતન તમામ સૃષ્ટિમાં એક જ પુરુષ, એક જ પરમાત્મા વસેલો છે એ તમે જાણો છો? એને તમે ઓળખો છો?’
તરત બધા પ્રજાપતિપુત્રો બોલી ઊઠયા ઃ ‘નથી ઓળખતા!’
નારદજીએ કહ્યું ઃ ‘નથી ઓળખતા, તો ઓળખો! આ શું ગૃહસ્થાશ્રમી થવાનું ડિંડવાણું લઈને બેઠા છો?’
પ્રજાપતિપુત્રોએ કહ્યું ઃ ‘વાત તો ખરી, હોં! હવે તમારું ત્રીજું ઉખાણું સમજાવો, મહારાજ!’
નારદજીએ કહ્યું ઃ ‘મેં પૂછયું કે જ્યાં દાખલ થવાનો માર્ગ છે, પણ બહાર નીકળવાનો માર્ગ નથી એવી ગુફા તમે જોઈ છે?’ આ ગુફા એટલે ભગવાનું ધામ. એક વાર ભગવાનને પહોંચ્યા પછી માણસ ભગવાનનો જ થઈને રહે છે, પાછો આવતો નથી! એટલે ભગવાનને પામવા એ જ સૌથી મોટું પરાક્રમ છે. તમારે પરાક્રમ કરવું છે ને? તો કરી દેખાડો એ પરાક્રમ!’
પ્રજાપતિપુત્રોએ એકબીજાની સામે જોઈ કહ્યું ઃ ‘વાત તો ખરી, આપણે આવું જ પરાક્રમ કરવું જોઈએ! મહારાજ, હવે તમારું ચોથું ઉખાણું સમજાવો.’
નારદજીએ કહ્યું ઃ ‘મેં કહ્યું કે બહુવેશી સ્ત્રી તમે જોઈ છે? આ બહુવેશી સ્ત્રી એટલે  બુદ્ધિ. બુદ્ધિ ઘડીમાં આ ખરું છે એમ કહે, ઘડીમાં પેલું ખરું છે એમ કહે અને ખરેખર ખરું કંઈ ત્રીજું જ હોય. માટે બુદ્ધિના, તર્કના ચાળે ચઢવું નહિ એ તમે જાણો છો? તર્કથી ભગવાનનું સ્વરૃપ સમજાય નહિ એ જાણો છો?’
પ્રજાપતિપુત્રોએ કહ્યું ઃ ‘આ પણ બરાબર! મહારાજ, હવે તમારું પાંચમું ઉખાણું સમજાવો!’
નારદજીએ કહ્યું ઃ ‘મેં કહ્યું કે બેય તરફ વહેતી નદી તમે જોઈ છે? આ નદી એટલે સંસાર. ઉપ્તત્તિ અને નાશ બેય તરફ એની એકસાથે ગતિ છે. બેય બાજુથી માર!’
પ્રજાપતિપુત્રોએ કહ્યું ઃ ‘આ પણ ખરું! મહારાજ, હવે તમારું છઠ્ઠું ઉખાણું સમજાવો!’
નારદજીએ કહ્યું  ઃ ‘મેં કહ્યું કે પોતાની મેળે ભમ્યા કરતી ચીજ તમ ેજોઈ છે? આ ચીજ એટલે કાળચક્ર. આપણાં મસ્તક ઉપર એ સતત ભમ્યા જ કરે છે. એના પંજામાંથી બચવું હોય તો ભગવાનનું શરણું લેવું પડે એ તમે જાણો છો?’
પ્રજાપતિપુત્રોએ કહ્યું ઃ ‘અમે બચીશું, અમે ભગવાનનું શરણું લેશું.’
નારદજીએ કહ્યું ઃ ‘તો લો, કોની વાટ જુઓ છો?’
પ્રજાપતિપુત્રોએ કહ્યું ઃ ‘પણ મહારાજ, અમે પિતાની આજ્ઞાા સમજ્યા નથી એવું તમે કહ્યું તે તો ખાલી ગમ્મતમાં જ ને?’
નારદજીએ કહ્યું ઃ ‘ના, ગમ્મતમાં નહિ! એ મારું સાતમું ઉખાણું છે. મેં કહ્યું કે તમે તમારા વિદ્વાન પિતાની આજ્ઞાા સમજ્યા જ નથી. આ વિદ્વાન પિતા એટલે શાસ્ત્ર, ધર્મ. ધર્મ એ જ સૌનો વિદ્વાન પિતા છે. પરમાત્માની શક્તિ કરી પરમાત્માનું દર્શન કરવું એ આપણો ધર્મ છે.’
આ સાંભળી એકસાથે બધા પ્રજાપતિપુત્રો બોલી ઊઠયા ઃ ‘અમે ભક્તિ કરી પરમાત્માનાં દર્શન કરીશું. અમારે ગૃહસ્થાશ્રમી નથી થવું. અમે તપ કરવા ચાલી જઈએ છીએ.’
નારદજીએ કહ્યું ઃ ‘બરાબર છે. જે પળે વૈરાગ્ય જાગે તે પળે જ બધું છોડી ચાલી નીકળવું જોઈએ.’
તરત જ બધા પ્રજાપતિપુત્રો નારદજીને ગુરુ માની તેમની પ્રદક્ષિણા કરી, પગે લાગી તપ કરવા માટે બદરિકાશ્રમ તરફ ચાલી નીકળ્યા.
* * *
દક્ષ પ્રજાપતિ પોતાના પુત્રોના ગૃહસ્થાશ્રમના સમાચાર જાણવા ખૂબ આતુર હતા. પણ પુત્રો તો હિમાલયમાં તપશ્ચર્યા કરવા પહોંચી ગયા હતા. સમાચાર કોણ આપે? દક્ષે તપાસ કરી તો માલૂમ પડયું કે નારદજીને પુત્રોએ ગુરુ કર્યા છે. તેમને નારદજી પર ચીડ ચડી ઃ ‘અલ્યા, તું બાવો બન્યો, એટલે બીજાનેય બાવા બનાવે છે!’
બીજા છોકરાઓ મોટા થયા, એટલે દક્ષે તેમને બોલાવી કહ્યું ઃ ‘જાઓ દીકરાઓ, તમારું મન ઠરે ત્યાં સ્થિર થાઓ અને ગૃહસ્થાશ્રમી બનો!’
આ પ્રજાપતિપુત્રો પણ ફરતા હતા ત્યાં નારદજી પધાર્યા.
પ્રજાપતિપુત્રોએ એમને પ્રણામ કર્યા અને કંઈ આશીર્વાદ આપવા કહ્યું.
નારદજીએ કહ્યું ઃ ‘હે પ્રજાપતિપુત્રો, તમે તમારા મોટા ભાઈઓના જેવા પરાક્રમી થઓ.’
પ્રજાપતિપુત્રોએ કહ્યું ઃ ‘જરૃર થશું. હવે અમારા ભાઈઓ કેવા પરાક્રમી છે તે કહો!’
નારદજીએ કહ્યું ઃ ‘તમારા ભાઈઓ એક ઝાટકે સંસારનું બંધન કાપી નાખી હિમાલયમાં તપસ્યા કરવા ચાલી ગયા!’
‘અમે પણ ચાલી જશું!’ બધા પ્રજાપતિપુત્રો એકસાથે બોલી ઊઠયા.
અને એ જ વખતે તે જ વેશમાં તેઓ તપસ્યા કરવા ચાલી નીકળ્યા.
દક્ષને ખબર પડી કે આ દીકરાઓ પણ નારદની શિખામણથી ઘરબાર છોડી તપ કરવા જતા રહ્યા, એટલે એને નારદજી પર ખૂબ ગુસ્સો ચડયો.
નારદજી આ જાણતા હતા એટલે તેઓ જાતે થઈને દક્ષને મળવા આવ્યા. નારદજીને જોઈને દક્ષ આગની પેઠે ભભૂકી ઊઠયો, ને બોલ્યો ઃ ‘દુષ્ટ, તું બાવો એટલે મારા દીકરાઓનેય તેં બાવા કર્યા! તેં મારા દીકરાઓની બુદ્ધિ ભમાવી દીધી, એમને અવળે માર્ગે દોરી તેં મારી આખી યોજના ઊંધી વાળી દીધી! સંસારમાં મારા દીકરાઓનું તેં ક્યાંય સ્થાન રહેવા દીધું નહિ અને તેમને ભટકતા કરી દીધા. તેથી હું તને શાપ આપું છું કે તું ક્યાંય ઠરીઠામ બેસી નહિ શકે, – તું કાયમ ભટક્યા જ કરશે!’
નારદજીને કોઈ શાપ દે તોય શું અને આશીર્વાદ તે તોય શું? તેમને મન બધું સરખું હતું. તેમણે માથું નમાવી હસતે મોઢે શાપ માથા પર ઝીલી લઈ કહ્યું ઃ ‘આપની ઘણી કૃપા!’ અને એટલે જ નારદજી ત્રણે લોકમાં વિહરતા રહે છે.